Pages

મારો ભગવાન ભાગી ગયો....

દેવલોક આજે દેવો ની ચહેલપહેલ થી ગાજી ઉઠ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આજે તાકીદ ની મિટિંગ બોલાવી છે અને તમામ ૩૩ કરોડ દેવી દેવતાઓ માટે ત્યાં હાજર રહેવું ફરજીયાત છે. માત્ર હિંદુ ધર્મ જ નહિ, બધા જ ધર્મ નાં તમામ દેવ અને ઓલિયા હાજર છે. મુદ્દો બહુ ગંભીર છે અને આ મુદ્દો ઉઠાવ્યો છે ત્રણે લોક નાં આંખો દેખ્યો અહેવાલ આપતા નારદજી એ...

થોડી ક્ષણો માં - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પધારે છે, તમામ દેવી દેવતા હાજર છે, સર્વે નાં મન માં એક જ પ્રશ્ન છે. એવો તો કયો મુદ્દો છે કે આટલા મોટા પાયે આ મિટિંગ બોલાવવા માં આવી છે? દાનવોનો રંજાડ તો ક્યાર નો ખતમ થઇ ગયો અને એવી તો કઈ ગંભીરઘટના બની ગઈ!!!

નારદજી આજે સંચાલક તરીકે ત્રિદેવ નું સ્વાગત કરે છે અને કાર્યક્રમ આગળ વધે છે.

વિષ્ણુ: સમગ્ર દેવગણ, આજે આપણે એક મહત્વ ની વાત કરવી છે. અમે ત્રિદેવ છેલ્લા કેટલાય સમય થી જોઈ રહ્યા છે કે આપણાં માનીતા ભારત વર્ષમાં આપણાં નામે અત્યાચાર, પાપાચાર અને દુરાચાર થઇ રહ્યો છે. આપણે બનાવેલા માનવીઓ દાનવો પણ સારા લાગે તેવા કૃત્યો કરી રહ્યા છે. એક બાજુ આપણાં મંદિર, મસ્જીદ અને બીજા ધર્મસ્થાન બનાવે છે અને પોતાના જ ભાઈઓ ને ઘર વગરનાં કરી મુકે છે.  અંદરોઅંદર આપણાં નામે ઝઘડે છે, પોતાના કર્મ ને ત્યજી માત્ર ધર્મ નાં નામે વિનાશ નોતરી રહ્યા છે. માત્ર તેજ નહિ, એક બાજુ આપણાં સ્થાનકોમાં કરોડો રૂપિયા ચડાવે છે અને ટેક્ષની ચોરી કરે છે. કહે છે સ્વચ્છતામાં જ પ્રભુતા નો વાસ છે અને ગંદકી કરે છે, જાહેર માં શૌચ જેવી ખરાબ હરકતો કરે છે, અને એજ નહિ જાણીજોઈ ને પાપ કરી આપણને લાંચ આપે છે. હવે તો આપણાં બનાવેલા આપણ ને જ બનાવે છે.

સમગ્ર દેવગણ માં ગુસપુસ થાય છે અને સર્વે સંમત થાય છે કે વાટ તો એકદમ સાચી છે, તો શું ભગવાન વિષ્ણુ ફરીથી અવતાર લઇ રહ્યા છે? પરંતુ દુશ્મન છે ક્યાં? એક જ દુશ્મન છે? અવતાર લઇ કોની કોની સામે લડશે? ભ્રષ્ટનેતાઓ, તે ભ્રષ્ટ નેતાઓ ને ચુંટનારા નાગરીકો, પોતાને ગરીબ ગણાવતા પરંતુ કર્મ થી દુર ભાગતા 'ગરીબ' લોકો, દેશ ને રામ નાં નામે છોડી દેનાર? કોની સામે લડશે?

વિષ્ણુ: આથી આપણે હવે ચમત્કાર કરવા નો છે. આજે નેતાઓ, સિતારાઓ બધાને ભગવાન બનવું છે. બધા ને પોતાના વખાણ, પ્રશંશા અને પૂજા ગમે છે. તો હવે આપની કોઈ જરૂર નથી. આથી દેવગણ એ નક્કી કરે છે કે કાલે સવારે સૂર્યોદય પહેલા આપણાં તમામ ધર્મસ્થાન ગાયબ કરી દેવા. પૂરા ભારતવર્ષમાં કરોડો મંદિર, સેંકડો મસ્જીદ, હજારો ગુરુદ્વારા, ચર્ચ અને નાં જેને કેટલા પ્રકારનાં ધર્મસ્થાન છે, તમામ જડમૂળથી અદ્રશ્ય થઇ જશે. સવારે ઉઠી ને માનસ ને જ્ઞાન થવું જોઈએ કે કશુંક ખોટું થયું છે.

ચર્ચા પછી તમામ દેવો આ વાત નો સ્વીકાર કરે છે અને અમલ પણ કરે છે.

બીજા દિવસે સવારે માણસો ઉઠીને ધર્મસ્થાનો ને અદ્રશ્ય થયેલ જોતા જ- તમામ આસ્તિક અને નાસ્તિક નાં ભાવ અને પ્રતિભાવો -
ધર્મગુરુઓ: અરે ક્યાં ગઈ આપણી સોના નાં ઈંડા આપતી મરઘી? હવે શું કરીશું? આપણો નિર્વાહ કેવી રીતે ચાલશે? શેના નામે લોકો પાસે થી નાણાં ઉઘરાવીશું? આપણું શું થશે?
ભીખારીઓ: હવે કેવી રીતે બેઠા બેઠા ખાવા મળશે? મહેનત કરવી પડશે? કેવી રીતે થશે?
ઉદ્યોગપતિઓ / બિલ્ડરો: જલ્દી થી મંત્રી/ મુખ્યમંત્રી/ કલેકટર ને ફોન કરો, ફાજલ પડેલી જમીન સસ્તા માં લઇ લઈએ આવી મોકા ની જગ્યા હાથમાંથી ના જવા દેવાય.
લેભાગુ: જલ્દી થી જમીન પર દેરી બનાવી દઈએ અને જમીન પચાવી પડીએ.
મંત્રીઓ: જલ્દી થી જમીન સીઝ કરો. તે રાષ્ટ્રીય સંપતિ છે. તેની હરાજી કરી પૈસા બનાવો.

તે સિવાય પણ સમાજ ના બધા વર્ગો માં થી અલગ અલગ પ્રતિભાવ મળ્યા પરંતુ...

દેશનો 'આમઆદમી' બસ, ટ્રેઇન, મેટ્રો, દ્વિચક્રી, ત્રિચક્રી અને પોતાના વાહનો માં સફર કરતા અને છાપું વાંચતા, પોતાના કામે જતા - તેને તો ક્યાં ફરક જ પડતો હતો? આમ પણ તેનો વિશ્વાસ તો ડગમગી જ ગયો હતો, આજે તો તેનો ભગવાન પણ અદ્રશ્ય થઇ ગયો હતો. ભલે તે ન્હોતો જાગ્યો, પણ તેનો ભગવાન તો ભાગી ગયો હતો.